વ્યક્તિનુ વજન કેટલું હોવું જોઇએ ?
---------------------------------------------------------------
ઘણા લોકો નો હોય છે કે 'મારું વજન કેટલું હોવું જોઇએ?' અથવા 'મારું વજન નોર્મલ કહેવાય કે વધારે?' સામાન્ય રીતે જે તે સમુદાયમાં રહેતા લોકોના વજનની સરેરાશ કાઢીને આદર્શ વજન નક્કી કરવામાં આવે છે.
પરંતુ ઘણાં દેશોમાં કેટલાક બધા લોકોનું વજન જોઇએ તે કરતાં વધારે હોય છે તો એ દેશમાં વજનની સરેરાશ પણ વધારે આવે છે.
આરોગ્યની દ્દષ્ટિએ વજનથી ૨૦ ટકા વધુ વજન ઘરાવતી વ્યક્તિને મેદવૃદ્ધિ (ઓબેસિટિ) નો રોગ છે એવું કહી શકાય. જો કે આ નિદાન કરતાં પહેલાં ચરબી સિવાયના અન્ય વજન વધવાનાં કારણો (દા.ત. શરીરમાં પાણીનો ભરાવો) નથી એની ખાતરી કરી લેવી પડે છે.
પુખ્ત વયની ઉંમરના માણસોના વજનનો સીધો આધાર તેમની ઊંચાઇ પર રહેલો હોય છે.
દરેક ઊંચાઇ માટેનું સરેરાશ વજન બદલાય અને ઊંચાઇની સાથે વધે. એટલે આદર્શ વજન જાણવા માટે પહેલા ઊંચાઇ જાણવી જરૂરી છે.
વજન નોર્મલ છે કે નહીં તે નક્કી કરવા માટે બોડી માસ ઇન્ડેકસ (B.M.I.) નામની ફોર્મ્યુલા વાપરવામાં આવે છે.
આ ફોમ્ર્યુલા પ્રમાણે વ્યક્તિના વજન (કિ.ગ્રા.)ને એની ઊંચાઇ (મીટર)ના વર્ગથી ભાગતાં જે આંક મળે તે બોડી માસ ઇન્ડેકસ (B.M.I.) તરીકે ઓળખાય છે.
ભારતીય લોકો માટે બોડી માસ ઇન્ડેકસ (B.M.I.) ૧૮ થી ૨૩ ની વચ્ચે હોવો જોઇએ. જો આ ઈન્ડેકસ {વજન (કિ.ગ્રા) ભાગ્યા ઊંચાઇ(મીટર)નો વર્ગ} પચ્ચીસથી વધુ આવે તો વ્યક્તિ મેદવૃદ્ધિનો ભોગ બની છે એવું કહી શકાય.
એકદમ જાડા અંદાજ માટે આથી પણ સરળ (પરંતુ ઓછી સચોટ) રીત છે.
તમારી ઊંચાઇ સેન્ટિમીટરમાં માપો અને એ પછી એમાંથી ૧૦૦ બાદ કરી નાખો. બસ જે જવાબ આવે એટલા કિલોગ્રામથી વધારે તમારું વજન ન હોવું જોઇએ. એટલે કે ૧૭૦ સે.મી. ઊંચાઇવાળી વ્યક્તિનું વજન ૭૦ કિ.ગ્રા. થી વધુ ન હોવું જોઇએ.
કોષ્ટકમાં દર્શાવેલ મહત્તમ વજન કરતાં આ રીતે મેળવેલ વજન થોડું ઓછું આવે છે. પણ યાદ રાખવા માટે આ રીત ખૂબ જ સરળ છે અને થોડું ઓછું વજન ઉપરની મર્યાદા માટે નક્કી કર્યું હોય તો વ્યક્તિ પહેલેથી જ ચેતી જઇને મેદવૃદ્ધિ થતી અટકાવી શકે છે.
ઇ.સ. ૨૦૦૪ના વિશ્વ આરોગ્ય સંસ્થાનાં અંદાજ પ્રમાણે વિશ્વમાં આશરે એક અબજ લોકો વધુ વજન ધરાવે છે. અટલે આખા વિશ્વના છઠ્ઠાભાગના. લોકો અને વિકસિત દેશોમાં આશરે ત્રીજા ભાગના લોકો જાડા છે એવું કહી શકાય. ભારતમાં જાડા લોકોનું પ્રમાણ કેટલું છે એના આંકડા ઉપલબ્ધ નથી પરંતુ શહેરમાં બેઠાડુ જીવન જીવનારાઓમાંથી આશરે ૩૦ ટકા જેટલા પ્રમાણમાં જાડી વ્યક્તિઓ મળે તો નવાઇ નહી. સાથેનાં કોષ્ટકમાં દરેક ઊંચાઇની વ્યક્તિ માટે આદર્શ વજન અને મહત્તમ વજનનું કોષ્ટક આપેલું છે.
0 ટિપ્પણીઓ