Advertisement

ઘટેલું વજન જાળવી રાખવું હોય તો શું કરવું?

ઘટેલું વજન જાળવી રાખવું હોય તો શું કરવું?
------------------------------------------------------------------------------

ઘણા લોકો વજન ઘટાડવા માટે અચાનક જાગૃત થતા હોય છે અને પછી ઊંધું ઘાલીને ખાવા પર નિયંત્રણો અને કસરતો કરીને એક-બે મહીનામાં જ ૫-૭ કિલો વજન ઉતારી નાંખતા હોય છે. વજન ઉતરી જાય એટલે જાણે કાયમ એટલું જ વજન રહેવાનું હોય એમ, ફરી પાછી જૂની ખાવા-પીવાની ટેવો અને બેઠાડુ જીવન શરૂ થઇ જાય અને ફરી પાછું વજન વધવા લાગે. વર્ષો સુધી ચરબીના ઉતાર-ચઢાવનો આ કાર્યક્રમ ચાલ્યા કરે છે. 

જો આ બેહુદી, ચરબીની ચઢ-ઉતરમાંથી બચવું હોય તો નીચે જણાવેલ મુદ્દાઓ સમજી એનો અમલ કરવો જરૂરી છે.


1. વજન ઘટાડવું એ સહેલું છે પણ ઘટાડેલું વજન જાળવી રાખવું અઘરું છે :

  •  ઘટેલું વજન જાળવી રાખવા માટે ખોરાકની ટેવોમાં કાયમી ફેરફાર જરૂરી છે. એક-બે મહિનાના કહેવાતા ડાયેટીંગથી કોઇ લાંબાગાળાનો ફાયદો નહીં થાય.

2. છ મહિનાના ગાળામાં મૂળ વજનના દશેક ટકા જેટલું વજન ઓછુ થાય તો એ સંતોષકારક ગણાય. :
  • એથી વધુ વજન ઉતારવાનો પ્રયત્ન ન કરવો. એટલે કે જો તમારુ વજન ૭૦ કીલો છે અને તમે વજન ઘટાડવા માંગો છો તો છ મહિને આશરે સાતેક કીલો વજન ઘટે એવું આયોજન કરવું. બીજા શબ્દોમાં દર મહિને એક-બે કિલોથી વધુ વજન ઉતારવાથી કોઇ ફાયદો થતો નથી.

3. સ્વસ્થ ખોરાકની 'પરેજી' નહીં પણ 'ટેવ પાડો' :
  • એક વખત વજન ઘટી જાય પછી એ ફરી પાછું ન વધે એ માટે ખોરાકની ટેવો કાયમી કરી દો. ઓછી ચરબીવાળાં કુદરતી સલાડ અને ફળોમાંથી અનેક વાનગીઓ બનાવી એ ખાવાની ટેવ પાડો. એમાંથી જ ભાવતી વિશિષ્ટ વાનગીઓ વાર-તહેવારે બનાવો. 
  • વજન ઘટાડયા પછી કોઇપણ મહિને એક કિલોથી વધુ પાછું વધવું ન જોઇએ. 
  • આ જ રીતે, કમ્મરનો ઘેરાવો ઘટયો હોય તો એ ફરી પાછો ન વધવો જોઇએ. કમ્મરના ઘેરાવામાં ૪ સે.મી.નો ઘટાડો જાળવી રાખનારા ઘટેલું વજન જાળવી રાખવામાં સફળ થાય છે.
  •  વજન ઘટાડવા અને ઘટેલું વજન જાળવી રાખવા માટે ખોરાકનો જથ્થો ઘટાડવાની જરૂર નથી. 'કેટલું ખાવું?' એનાં કરતાં વધુ અગત્યનો પ્રશ્ન 'શું ખાવું?' એ છે. 
  • ખોરાકમાં કાયમી ધોરણે વધુ પ્રમાણમાં લીલાં કાચાં શાકભાજી, તાજાં ફળો અને ફણગાવેલાં કે બાફેલાં કઠોળ લેવાની ટેવ રાખવી જોઇએ. 
  • કાયમી ધોરણે તળેલી, મોણવાળી કે ઘી ચોપડેલી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઇએ. ઓછી ચરબીવાળો ખોરાક પેટ ભરીને ખાવાથી ખાવાનો સંતોષ થાય છે અને છતાં વજન ઘટે છે.

4. કસરતને ભૂલશો નહીં :
  • માત્ર ખોરાકની કાયમી ટેવોથી જ વજન (ઘટેલું) ટકાવી રાખવું મુશ્કેલ છે. 
  • ખોરાકની જેમ જ શારીરિક શ્રમની, કસરતની પણ કાયમી ટેવ પાડવી જરૂરી છે. 
  • રોજ ઓછામાં ઓછી ૩૦ થી ૪૫ મિનિટની ઝડપથી ચાલવાની, દોડવાની, તરવાની કે અન્ય કસરત ઘટેલું વજન જાળવી રાખવા માટે ખૂબ ઉપયોગી બને છે. 
  • જે વ્યક્તિઓ પોતાના દૈનિક રૂટીનમાં અડધો-પોણો કલાક કાયમ માટે કસરતને ફાળવે છે એ લોકો ઘટેલું વજન જાળવી રાખવામાં સફળ થાય છે. 
  • રોજિંદી અડધો-પોણો કલાકની કસરત ઉપરાંત, રોજિંદા જીવનમાં શારીરિક સક્રિયતા લાવનાર વ્યક્તિ (દા.ત. લીફટને બદલે દાદર વાપરનાર, નોકર-પટાવાળાને બદલે જાતે ચાલનાર વ્યક્તિ) વધુ તંદુરસ્તી મેળવે છે. 
  • ગમે એટલું વધુ વજન હોય તો પણ ભારે વજનની બેઠાડુ-બિનકસરતી વ્યક્તિ કરતાં એટલા જ વજનની સક્રિય-કસરતી વ્યક્તિનું સ્વાસ્થ્ય વધુ સારુ હોય છે. 
  • શરીરમાં ચરબીનો ભરાવો અટકાવવા અને ડાયાબિટીસ - હ્રદયરોગ - હાઇબ્લડપ્રેશર જેવા રોગોથી બચવા માટે કસરત સર્વોત્તમ ઉપાય છે.

5. વધુ ખોરાક સાથે સંકળાયેલાં પરિબળો પર નિયંત્રણ :
  • ઘણા માણસો અમુક ચોકકસ પરિસ્થિતિ કે ચોકકસ વાતાવરણમાં જરૂરિયાત કરતાં ઘણો વધારે ખોરાક ખાઇ જતા હોય છે. દા.ત. લગ્ન સમારંભમાં કે હોટલમાં; 
  • અમુક ચોકકસ મિત્રોની કંપનીમાં; અમુક ચોકકસ વાનગી બને ત્યારે; ટેન્શન જાય ત્યારે કે ટેન્શન આવે ત્યારે...વગેરે. 
  • કેટલાય લોકો પરીક્ષાના ટેન્શનમાં વધુ ખાઇને જાડા થાય છે તો બીજા કેટલાય પરીક્ષાના ટેન્શનમાં વજન ઘટાડી વેકેશનમાં જાડા થાય છે! 
  • માનસિક અવસ્થા ખોરાક ઉપર ખૂબ મોટો ફરક પાડીને વજન વધારી ન દે એની કાળજી રાખવી ખૂબ આવશ્યક છે. તહેવારોમાં વધુ પડતી ચરબીવાળો ખોરાક ખાવાનું બને છે. 
  • જો આવે વખતે સ્વાદિષ્ટ વસ્તુઓ ખાઇને પૂરી-પરાઠા વગેરે જેવી (રોટલી-રોટલાં કરતાં) સ્વાદમાં ખાસ ફરક વગરની વસ્તુઓ છોડી દેવામાં આવે તો ફાયદો રહે છે. 
  • ખોરાક - ખાસ કરીને ભાવતો ખોરાક ખાવાથી મનમાં એક ચોકકસ પ્રકારના આનંદ અને સંતોષનો અનુભવ થતો હોય છે. 
  • મીઠાઇનો મોટો ટૂકડો એકસાથે ખાવાથી જેટલો આનંદ આવે છે એના કરતાં વધુ આનંદ એ જ ટુકડાના અનેક ભાગ કરી શાંતિથી લાંબા સમય સુધી ખાવાથી આવે છે.

  • જયારે તમે જમતા હો ત્યારે પુરુ ધ્યાન જમવા ઉપર જ આપો - દરેક વાનગીને એની સ્વાદ-સોડમ સાથે માણો - તો કદી તમે શરીરની જરૂરિયાત કરતાં વધુ નહીં ખાઓ. 
  • ખાતાં ખાતાં વધુ વાત કરવાથી, ટી.વી. જોવાથી; છાપું વાંચવાથી તમે શું ખાઓ છો? - કેટલું ખાઓ છો? એનું ધ્યાન રહેતું નથી અને પરિણામે જરૂરિયાત કરતાં વધુ ખવાઇ જાય છે. 
  • શાંત ચિત્તે એકાગ્રતાથી ચાવી ચાવીને ખાવાથી ખાવાનો સંતોષ વધે છે અને માપસર ખવાય છે. ટેન્સન સાથે ખાવાથી પણ પ્રમાણભાન ચૂકી જવાય છે. 
  • એટલે જ શાંતચિતે (સારો રસ્તો પ્રાર્થના કરીને) ખાવાનું શરૂ કરવાથી ફાયદો થાય છે. 
  • ટૂંકમાં, જો ઘટેલું વજન જાળવી રાખવું હોય તો જીવનની ટેવોમાં કેટલાક કાયમી ફેરફાર જરૂરી છે. 
  • જો આ ટેવો બદલાશે તો કદી તમારે કેલરી ગણવાની જરૂર નહીં પડે.

 

ઘટેલું વજન જાળવી રાખવું હોય તો શું કરવું?

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ