વધુ વજનથી શું નુકસાન થાય?
----------------------------------------------------
1. ડાયાબિટીસ (મધુપ્રમેહ) :
- જાડા લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ અન્ય તંદુરસ્ત (નોર્મલ વજનવાળા) લોકોની સરખામણીએ ત્રણગણું વધારે હોય છે.
- અમેરિકામાં ડાયાબિટીસના કુલ દર્દીઓમાંથી આશરે ૮૦ ટકા દર્દીઓ જાડા હોય છે.
- મેદવૃદ્ધિને કારણે શરીરના ઘણા કોષો ઇન્સ્યુલિન નામના અંત:સ્રાવ માટેની સંવેદનશીલતા ગુમાવી દે છે.
- પરિણામે જેટલા ઇન્સ્યુલિનથી (મેદવૃદ્ધિ થતાં પહેલાં) શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણમાં રહેતું હતું, એટલો ઇન્સ્યુલિન હવે (મેદવૃદ્ધિ પછી) ઓછો પડવા લાગે છે. પરિણામે ગ્લુકોઝનું લોહીમાં પ્રમાણ વધી જાય છે અને આ ગ્લુકોઝ પેશાબ વાટે શરીર બહાર નીકળવા લાગે છે.
- દરેક જાડા માણસને ડાયાબિટીસ થાય એવું જરૂરી નથી. પરંતુ જે માણસમાં જનિન બંધારણને લીધે ડાયાબિટીસની શક્યતા ઊંચી હોય છે એ માણસમાં મેદવૃદ્ધિ પણ થાય તો ડાયાબિટીસ તરત જ દેખા દે છે.
- આમ, મેદવૃદ્ધિને કારણે છૂપો ભવિષ્યમાં થનાર ડાયાબિટીસ વર્તમાનમાં જ દેખાવા લાગે છે.
2. હાઇબ્લડપ્રેશર :
- હ્રદયના રોગોનો વિસ્તૃત અને લાંબા ગાળાનો અભ્યાસ ફ્રેમિંગહામ શહેરમાં થયેલો.
- આ ફ્રેમિંગહામ સ્ટડીના તારણ અનુસાર જે વ્યક્તિનું વજન આદર્શ વજન કરતાં ૨૦ ટકાથી વધુ હોય એવી વ્યક્તિને હાઇબ્લડપ્રેશર થવાની શક્યતા સામાન્ય વજનવાળી વ્યક્તિ કરતાં દશગણી વધારે હોય છે. આ જ અભ્યાસમાં એવું પણ તારણ નીકળેલું કે વજનમાં દર ૧૦ ટકાનો વધારો સિસ્ટોલીક (ઉપરના) બ્લડપ્રેશરમાં ૬.૫ મિ.મી મક્યુરી જેટલો વધારો કરે છે.
- જોકે જાડી વ્યક્તિમાં બ્લડપ્રેશર શા માટે વધે છે એ હજી ચોક્કસપણે જાણી શકાયું નથી. કારણ ગમે તે હોય, વજન અને હાઇબ્લડપ્રેશરનો સંબંધ બહુ ગાઢ છે અને વધેલું વજન ઘટાડવાથી વધેલું બ્લડપ્રેશર પણ નીચું આવે છે.
3. એથેરોસ્ક્લેરોસીસ અને હ્રદયરોગ :
- મેદવૃદ્ધિના દર્દીઓમાં હ્રદયરોગનું પ્રમાણ અન્ય લોકોની સરખામણીએ વધારે હોય છે. હ્રદયને લોહી પહોંચાડતી કોરોનરી આર્ટરીઝ અને અન્ય રક્તવાહિનીઓમાં એથેરોસ્ક્લેરોસીસ (ધમનીઓ સાંકડી અને કઠણ થવાની પ્રક્રિયા) ને કારણે હ્રદયરોગ થાય છે.
- જાડા લોકોમાં ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર તથા લોહીમાં ચરબીના ઘટકોનું વધી ગયેલું પ્રમાણ એથેરોસ્કલેરોસિસને નોતરું આપે છે, જે છેવટે હ્રદયરોગ પણ કરી શકે. આમ જાડા લોકોમાં એથેરોસ્ક્લેરોસીસનો હુમલો આવવાનું પણ ઘણું સામાન્ય છે.
4. શ્વાસોશ્વાસમાં તકલીફો :
- જાડા લોકોના શરીરમાં ઠેરઠેર ચરબી જમા થયેલી હોઇ ક્યારેક મોં અને ગળા આગળ ચરબીના ભરાવાને કારણે શ્વસનમાર્ગમાં અવરોધ પેદા થાય છે.
- ખાસ તો રાત્રે સૂતા પછી જ્યારે ગળાના અંદરના સ્નાયુઓ ઢીલા પડે ત્યારે શ્વસનમાર્ગમાં અવરોધો થવાની શક્યતા ઘણી વધી જાય છે.
- શરૂઆતમાં નસકોરાં બોલે અને પછી અચાનક થોડાક સમય માટે શ્વાસ અટકી જાય. આ સ્થિતિ સ્લીપ એપ્નિયા તરીકે ઓળખાય છે. રાત દરમિયાન વારંવાર આવું થવાથી દર્દીની રાતની ઊંઘ બગડે છે અને એ દિવસ દરમ્યાન વધુ ઊંઘે છે.
- સ્લીપ એપ્નિયામાં શ્વાસોશ્વાસના અવરોધની તકલીફ ઉપરાંત વધુ પડતી મેદવૃદ્ધિને કારણે શ્વાસોશ્વાસ પાછળ ખર્ચાતી શક્તિ એટલી બધી વધી જાય છે કે સ્નાયુઓ થાકી જાય છે અને બરાબર કામ આપી શકતા નથી. વળી કસરતનો અભાવ ફેફસાંની રિઝર્વ કેપેસિટિમાં પણ ઘટાડો કરી નાખે છે.
- પરિણામે વધુ પડતી મેદવૃદ્ધિ શ્વાસોશ્વાસમાં સીધો વિક્ષેપ પાડી શકે છે અને દર્દીને લાંબા સમય સુધી શરીરમાં ઓક્સિજનની અછત અને કાર્બન ડાયોક્સાઇડના ભરાવાની સ્થિતિમાં ચલાવ્યા કરવું પડે છે.
5. આર્થ્રાઇટીસ (વા) :
- જેમ વજન વધતું જાય તેમ એ વજનને ઊંચકવા માટે અને હેરફેર માટે વપરાતાં હાડકાં અને સાંધાઓનું કામ પણ વધતું જાય છે, પરિણામે કમ્મર અને પગના સાંધાઓમાં વધુ પડતા કામ (વજન) થી ઘસારો પહોંચે છે, જે આર્થ્રાઇટીસની તકલીફ રૂપે દેખાય છે.
- આ ઉપરાંત મેદવૃદ્ધિના દર્દીઓમાં યુરિક એસિડનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે, જે ગાઉટ નામના સાંધાના રોગને નોતરી શકે છે.
6. ગોલબ્લેડરની પથરી :
- મેદવૃદ્ધિના દર્દીમાં કોલેસ્ટેરોલ(લોહીમાં ફરતા ચરબીના ઘટક) ની હેરફેર એટલા વ્યાપક પ્રમાણમાં થતી હોય છે કે કોલેસ્ટેરોલ ગંઠાઇ જવાને કારણે ગોલબ્લેડર (પિત્તાશય) માં પથરી થઇ જાય છે.
- આ પથરીને કારણે ક્યારેક પેટનો દુ:ખાવો, તાવ વગેરે લક્ષણો આવી શકે છે. મેદવૃદ્ધિને કારણે પથરી કાઢવાનું ઓપરેશન પણ વધુ જટિલ બની જાય છે.
7. કેન્સર :
- ગર્ભાશય અને સ્તનના કેન્સરનું પ્રમાણ જાડી સ્ત્રીઓમાં અન્ય સ્ત્રીઓની સરખામણીમાં બે થી ત્રણગણું વધારે જોવા મળે છે.
- ખાસ કરીને મોટી ઉંમરની સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવ બંધ થઇ ગયા પછી આ કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે.
- આ જ રીતે ગોલબ્લેડરનું કેન્સર પણ જાડી સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.
- પુરુષોમાં મોટા આંતરડા અને પ્રોસ્ટેટના કેન્સરથી થતાં મોત જાડા લોકોમાં અન્યોની સરખામણીએ વધુ હોય છે.
8. વેરીકોઝ વેઇન :
- ખૂબ જ જાડા લોકોમાં રુધિરાભિસરણ તંત્ર પર એટલું બધું ભારણ આવે છે કે પગમાંથી હ્રદય તરફ લોહી લઇ જતી શિરાઓ ઘણીવાર ફૂલી જાય છે.
- લાંબો સમય ઉભા રહેવું પડે એવું કામ કરનાર ઘણી જાડી વ્યક્તિઓ પગમાં ફૂલેલી વાંકીચૂકી શિરાઓ (વેરીકોઝ વેઇન્સ)ની તકલીફો ભોગવતી હોય છે.
- આ ને કારણે કયારેક પગમાં દુ:ખાવો, સોજો અને ખંજવાળ થઇ શકે છે.
9. હર્નિયા :
- પેટની દીવાલ પર ચરબીના થર જામી જવાથી દીવાલના સ્નાયુઓ નબળા પડવા લાગે છે અને પરિણામે સ્નાયુની આ નબળી જગ્યામાં ક્યારેક અંદર રહેલ આંતરડાં અને અન્ય અવયવો સ્નાયુની બહાર (ચામડીની અંદર) નીકળી આવે છે, જે હર્નિયા તરીકે ઓળખાય છે.
- મેદવૃદ્ધિના દર્દીમાં આવા હર્નિયાનું ઓપરેશન કરવાનું પણ ખાસ્સું મુશ્કેલ હોય છે.
10. માનસિક પરિવર્તનો :
- મેદવૃદ્ધિને કારણે ઘણીવાર દર્દી શારીરિક અને માનસિક તકલીફ અનુભવે છે. અમુક કામ ન કરી શકવાની મર્યાદા અને વારંવાર મજાકનો ભોગ બનવાને કારણે ગુસ્સો, ચિંતા અને આત્મવિશ્વાસનો અભાવ, જાત પ્રત્યે હીનતાની લાગણી વગેરે અનેક માનસિક રિએકશનો જાડા લોકોમાં વધારે જોવા મળે છે.
- આમ, જાડા હોવું એ માત્ર હસીને કે મજાક કરીને ભૂલી જવા જેવી બાબત નથી. એને કારણે ઉપર દર્શાવ્યા છે તે અને તેના જેવા અનેક રોગો - તકલીફો ઉભા થઇ શકે છે. સાથેના કોષ્ટકમાં વધુ વજનથી થતાં રોગના જોખમો દર્શાવ્યા છે.
- વધુ વજન સાથે સંકળાયેલા રોગોનું જોખમ
11. પેટનો ઘેરાવો જેટલો વધુ એટલી બિમારી થવાની શક્યતા વધારે :
- જે વ્યક્તિના પેટની આસપાસ ચરબી વધુ હોય અને હાથ-પગ-થાપા આગળ ચરબી ઓછી હોય એવી વ્યક્તિને ઇન્સ્યુલિન રેઝીસ્ટન્સ, ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, હાઇપરલાઇપીડેમીયા, એથેરોસ્કલેરોસિસ, હાર્ટએટેક વગેરે અનેક બિમારીઓ થવાની શકયતા વધુ હોય છે. જ્યારે આ બઘી બિમારી મોટું પેટ ધરાવતી વ્યક્તિમાં એક સાથે હાજર હોય ત્યારે એ દર્દીને 'સિન્ડ્રોમ એકસ' અથવા 'મેટાબોલિક સિન્ડ્રોમ' નામનો રોગ લાગુ પડી ગયો છે એવું કહેવાય. વધેલું પેટ અનેક રોગોનું ઉદભવ સ્થાન છે, એ હકીકત દરેક વ્યક્તિએ સમજી લેવાની જરૂર છે. હાથ-પગ-થાપાની ચરબી વધવાથી જેટલું નુકસાન થાય એનાથી અનેકગણું નુકસાન પેટની ચરબી વધવાને કારણે થાય છે. પેટની ચરબી વધવાને કારણે વ્યક્તિની અંદર ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા ઘટી જાય છે, પરિણામે સામાન્ય વ્યક્તિ કરતાં વઘુ પ્રમાણમાં ઇન્સ્યુલિનની રોજેરોજ જરૂર પડે છે. મોટી ફાંદવાળી વ્યક્તિએ રોજ વઘારે પ્રમાણમાં ઇન્સ્યુલિન બનાવવું પડે છે અને છેવટે એક તબક્કો એવો આવે છે કે, ઇન્સ્યુલિન શરીરની જરૂરિયાત જેટલું બની શકતું નથી અને પરિણામે ડાયાબિટીસનો રોગ થાય છે.
- પેટનો વધુ ઘેરાવો, શરીરની અંદરનાં ચરબીનાં ઘટકોમાં પણ મોટા ફેરફાર કરે છે.
- આ બધાં પરિબળો ભેગા થઇને હ્રદયરોગની સંભાવના ખૂબ વધારી મૂકે છે. જેમનો થાપાનો ઘેરાવો વધુ હોય એવા લાકોના શરીરનો આકાર નાશપતિ (પેર) જેવો હોય છે જયારે પેટનો ઘેરાવો વધુ હોય એમનો આકાર સફરજન જેવો હોય છે.
- બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિઘ્ધ થયેલ એક રસપ્રદ સંશોધનમાં કમ્મરના ઘેરાવા અને થાપાના ઘેરાવાનો ગુણોત્તર માપીને પછી બાર વર્ષ સુધી લોકોની બિમારી અને મૃત્યુની નોંધ રાખવામાં આવી. આ અભ્યાસમાં નિશ્ચિતપણે જણાયું કે સૌથી વધુ કમ્મર-થાપાનો ગુણોત્તર ધરાવતી વ્યક્તિના જૂથમાં, સૌથી ઓછો ગુણોત્તર ધરાવતી વ્યક્તિના જૂથ કરતાં, હાર્ટએટેક અને મૃત્યુનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઊંચું હતું. બીમારી તથા મૃત્યુનું પ્રમાણ સીધેસીધું કમ્મર-થાપાના ઘેરાવાના ગુણોત્તર સાથે સંકળાયેલ હતું.આમ,થાપાની સરખામણીએ પેટનો ઘેરાવો વધતો જાય એમ અનેક રોગો અને વહેલુ મૃત્યુ થવાની શક્યતા વધતી જાય છે. પુરુષમાં પેટનો ઘેરાવો થાપાના ઘેરાવાનાં ૮૮ ટકાથી ઓછો અને સ્ત્રીઓમાં ૮૫ ટકાથી આછો હોવો જરૂરી છે.
0 ટિપ્પણીઓ