અતિશય પરસેવો થવાનાં કારણો અને આયુર્વેદ ઉપચારો
-------------------------------------------------------------------------------------------------
- વાતાવરણનું તાપમાન વધુ હોય, શારીરિક શ્રમ વધુ કર્યો હોય ત્યારે પરસેવાનું પ્રમાણ વધી જવું સામાન્ય છે. પરંતુ તાપ-શ્રમના અભાવમાં પણ પરસેવો વધુ વળવો એ અસામાન્ય છે.
- ડાયાબિટીશ, મેનોપોઝ, હાર્ટડિસિઝ, થાયરોઈડ જેવા રોગમાં તાપ-શ્રમના અભાવમાં પણ પરસેવો વધુ થાય છે.
- પરંતુ તે આખા શરીરે થતો હોય છે. પરંતુ માત્ર કપાળ, બગલ કે હથેળી અને પગના તળીયામાં ખૂબ પરસેવો વળવાની સમસ્યા કે જેને આધુનિક વિજ્ઞાન Hyperhydrosis કહે છે, તે વીશે વધુ જાણી શકાયું નથી. આધુનિકો એવું માને છે કે, સ્ટ્રેસ અને નર્વસનેસથી થતાં નર્વનાં ઇરીટેશનથી હથેળી-પગના તળીયા પરસેવાથી નીતરવા, બગલમાં-કપાળમાં ખૂબ પરસેવો વળવાની સમસ્યા થતી હોઈ શકે.
પરસેવાથી થતી પરેશાની:-
- ઠંડા હવાદાર કે એરકન્ડિશન્ડ વાતાવરણમાં પણ કપાળે પરસેવાના ટીપા વળી જવા, હાથ-પગ ભીના થઇ જાય કે બગલમાંથી પરસેવો ખૂબ નીકળે ત્યારે શારીરિક ઉપરાંત માનસિક-સામાજિક સમસ્યા સર્જાતી હોય છે.
- તેનો એક હાલનો જ કિસ્સો મારી સામે આવ્યો, જ્યારે ૧૬ વર્ષનો તરુણ દસમાં ધોરણની પરીક્ષા ન આપી શક્યો. પરીક્ષા દરમ્યાન પેપર લખવા માટે પેન સતત લુંછવી પડે અને ઉત્તરવહીના કાગળ હથેળી મૂકવાથી પલળી ન જાય તે માટે રૂમાલ મૂકવો પડે તેવી પરિસ્થિતિમાં બોર્ડની પરીક્ષાથી કિશોર વંચિત રહી ગયો!.
- શર્ટમાં, ટોપમાં બગલમાંથી વહેતા પરસેવાની ભીનાશ-ડાઘ દેખાવાથી અભ્યાસ, કામકાજની જગ્યાએ શરમ, સંકોચ અને આત્મવિશ્વાસનો અભાવ જેવી માનસિક સમસ્યાઓ પણ સર્જાય છે.
- કાર કે સ્કુટર ભીની હથેળીઓથી ચલાવવામાં મુશ્કેલી સર્જે છે.
- આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં આ માટે કોઈ વિશેષ ઉપચાર નથી.
- એન્ટીપર્સપિરન્ટ લોશન, સ્પ્રે કે બહુ તીવ્ર તકલીફ હોય ત્યારે એન્ટીકોલીનરજીક્સ દવાઓ આપવામાં આવે છે.
- દવાઓથી શરીરની સ્વયંસંચાલિત તાપમાનનું નિયમન કરતી ક્રિયાઓને અસર થતી હોવાથી ડોક્ટર દ્વારા વધુ તાપમાન, વધુ શારીરિક શ્રમ જેવી પરિસ્થિતિ દરમ્યાન સાવચેત રહેવા જણાવાય છે.
અતિ પરસેવો – સ્વેદવહસ્ત્રોતસ દુષ્ટિનું પરિણામ
- આયુર્વેદમાં વર્ણવાયેલ સ્વેદવહસ્ત્રોતસ કે જે શરીરના વિવિધ સ્તરે, અવયવો, વાહિનીઓમાં રહેલાં જલિય તત્વના નિયમનનું કામ કરે છે. તેની વિકૃતી માટે જવાબદાર કારણો આ મુજબ કહ્યાં છે.
અતિ પરિશ્રમ, અતિ સંતાપ,અતિ સંક્ષોભ
- ઠંડા-ગરમ ખોરાક, પીણા કે વાતાવરણનું ક્રમ વગર સેવન કરવું.
- ક્રોધ, શોક અને ભય.
- સ્વેદવહ સ્ત્રોતસમાં બાધા થવાથી પરસેવાની અતિપ્રવૃત્તિ થાય છે. આ કારણો વિશે જાણી, સમજી અને તબીબી માર્ગદર્શન મુજબ તેનું નિવારણ સૌથી વધુ મહત્વનું છે.
આયુર્વેદ ઉપચાર
- વધુ પ્રમાણમાં પરસેવો થઇ હથેળી-પગના તળીયા ખૂબ ભીના રહેતા હોય તેવા સંજોગોમાં સામાન્ય ઉપચાર સાથે સ્વયંની પ્રકૃતિ, ખોરાક, લાઈફ સ્ટાઈલ વિશે વૈદ દ્વારા પરિક્ષણ-સૂચનોનું પાલન કરવું જરૂરી છે.
- માત્ર તજાગરમી સમજી અને ઠંડકનો ઉપાય કરવાથી પરિણામ મળતું નથી. યુવાનીમાં પ્રવેશ કરતા કિશોરીઓ-કિશોરોના શરીરમાં થતાં વિકાસ અને બદલાવ સાથે ભણતર અને કારકિર્દીનું પ્રેશર જેવા કારણો પણ અવગણી ન શકાય.
- આથી જ પોતાની સમસ્યા વીશે વિના સંકોચ જણાવી અને ઉપાયો વીશે જાણી શકે તેવા તબીબની દેખરેખમાં ઉપાયો કારગર નીવડે છે.
સામાન્ય ઉપચાર
- ધાણા-વરીયાળી સરખાભાગે ભેળવી બનાવેલ ૩ ગ્રામ ચૂર્ણ ૧ ગ્લાસ પાણીમાં રાતભર પલાળી રાખેલું પાણી સવારે ખાલી પેટે પીવું..
- તાજા લીલા શાકભાજી, ખીરા કાકડી-અન્ય સલાડ, પાતળી મોળી છાશ, ઓછા મરચાં-મસાલા નાંખેલી વાનગીઓનો ખોરાકમાં ઉપયોગ કરવો..
- ઋતુ પ્રમાણેના ફળો કાપીને તાજા ખાવા. લીંબુનું શરબત, નારિયેળ પાણી, જવનું પાણી બપોરે-સાંજે અનુકૂળતા મુજબ ૧ થી ૨ ગ્લાસ પીવું..
- અઠવાડિયામાં ૧ કે ૨ વખત ચંદનબલાલાક્ષાદિ તેલનું માલિશ કરવું. ઉબટન માટે લોધ્ર, સૂકા લીમડાના પાન, જાંબુ-આંબાનાં સૂકા પાન, કપૂર કાચલીનું ચૂર્ણ, હળદર-દારૂહળદરનું ચૂર્ણ સરખાભાગે ભેળવી, ગુલાબજળમાં લેપ બનાવી ચામડી પર અવળી દિશામાં હલકા હાથે ઘસવું. ત્યારબાદ ન્હાવું..
- ઊંડા શ્વાચ્છોશ્વાસ, સ્વીમિંગ, જીમીંગ, યોગાસન, ડાન્સ, મ્યુઝિક જેવી શારીરિક-માનસિક આરોગ્ય સુધારે તેવી ઈતર પ્રવૃત્તિ કરવી. સમયાભાવ અને અન્ય કારણોની આડમાં જીવનની જીવંતતા માટે જરૂરી પ્રવૃત્તિ ટાળવી નહી. આ બધી પ્રવૃત્તિની સીધી સારી અસર નાડીતંત્રની સ્વસ્થતા પર પણ થાય છે..
વધુ પરસેવાના કારણરૂપ વધુ પડતા નર્વસ્ટીમ્યુલેશનને ટાળવા ન છુટકે Thoracic Sympathetic સર્જરી દ્વારા નાડીના સંકેત રોકવામાં આવે છે. આવી નછૂટકે કરાતી સર્જરી પાછળ રહેલી ઉપયોગિતાને સમજીને નાડીને અનિયમિત ઉત્તેજન આપતા ચિંતા, શોક, ક્રોધ, ઈર્ષ્યા, સ્પર્ધા જેવા ભાવ વિશે સભાનતા અને સંતુલન આપે તેવી ઈતર પ્રવૃત્તિ ભલે ધીરે પરંતુ સારુ પરિણામ આપી શકે છે. - જમ્યા બાદ ૧ મોટી ચમચી અભયારિષ્ટ પાણી સાથે ભેળવી લઇ શકાય..
- આ ઉપરાંત વરૂણાદિક્વાથ, ઉશિર, હરડે, અરડૂસી, બ્રાહ્મી, શંખપુષ્પી, તગર જેવા અનેક વાનસ્પતિક ઔષધોનો આવશ્યકતાનુસાર પ્રયોગ કરી શકાય.
0 ટિપ્પણીઓ