Advertisement

ચરબી કેવી રીતે માપી શકાય?

 

 ચરબી કેવી રીતે માપી શકાય?
---------------------------------------------------------------------

1. શરીરની ઘનતા કેવી રીતે માપવી :-

  • આપણા શરીરની અંદર રહેલ  ઘટકોની ઘનતા જુદી જુદી હોય છે. દા.ત. ચરબીની ઘનતા ૦.8 ગ્રામ/મિ.લિ.; પાણીની ઘનતા ૦.883 ગ્રામ/મિ.લિ.; પ્રોટીનની ઘનતા 1.23 ગ્રામ/મિ.લિ.; અને મિનરલ્સની ઘનતા 5 ગ્રામ/મિ.લિ. આ બધાં ઘટકોને આધારે શરીરની ઘનતા નકકી થાય છે.
  • શરીરની ઘનતા માપવા માટે જુદી જુદી રીતો વપરાય છે :

    (૧) ડુબકી મારવાની રીત
    (૨) પ્લેથીસ્મોગ્રાફી. 
     ડુબકી મારવાની રીત સૌથી સહેલી અને ચોકકસ છે.
  • આ રીત મુજબ, જે વ્યક્તિ કે વસ્તુની ઘનતા માપવી હોય તેને છલોછલ ટબના પાણીમાં ડુબકી મરાવવામાં આવે છે. ડુબકી મારવાથી જેટલું પાણી ટબની બહાર પડે એ પાણી માપવામાં આવે છે.
  • વ્યક્તિનું વજન ભાગ્યા ટબની બહાર પડેલ પાણીનું કદ બરાબર શરીરની ઘનતા એવું કહી શકાય. (આ ગણતરીમાંથી ફેફસામાં રહેલ હવાનું કદ બાદ કરવામાં આવે છે જેથી સાચી ઘનતા મળે.) જેમને ડુબકી મારવાનું ન ફાવે એમને માટે પ્લેથીસ્મોગ્રાફ નામની ટેકિનકથી શરીરની ઘનતા માપવામાં આવે છે. શરીરમાં રહેલ ચરબીના ટકા = {(૪૯૫ ભાગ્યા શરીરની ઘનતા) - (૪૫૦)} આ સૂત્રની મદદથી શરીરમાં કેટલાં ટકા ચરબી છે તે જાણી શકાય છે. મોટાભાગના લોકોમાં ૧૫ થી ૩૫ ટકા જેટલી ચરબી હોય છે.


2. પેટનો ઘેરાવો કેવી રીતે માપવો :-

  • પેટની આસપાસ જમા થયેલ ચરબી સૌથી વધુ નુકસાનકારક ગણાય છે.
  • સાદી મેઝરટેપની મદદથી માપેલ પેટનો ઘેરાવો પેટમાં રહેલ ચરબીનો આડકતરો અંદાજ આપે છે.
  • પેટનો ઘેરાવો માપવા માટે કમ્મરના હાડકાંની તરત ઉપર મેઝર-ટેપને જમીનથી સમાંતર રાખીને આખી કમ્મરનો ઘેરાવો માપવામાં આવે છે. ટેપથી ચામડી દબાય નહીં એની કાળજી રાખવી જરૂરી છે.
  • પેટનો ઘેરાવો થાપાના ઘેરાવાના ૭૨ ટકા જેટલો હોય તો એને આદર્શ ગણવામાં આવે છે. (થાપાનો ઘેરાવો એટલે કુલા-થાપા આગળનો મહત્તમ ઘેરાવો) ભારતીય સ્ત્રીઓમાં પેટનો ઘેરાવો થાપાના ઘેરાવાના ૮૫ ટકા કે પુરુષોમાં ૮૮ ટકા કરતાં વધુ આવે તો એ જોખમી ગણાય છે.
  • પેટની ચરબી જેટલી વધુ હોય એટલી ડાયાબિટીસ, હ્રદયરોગ અને હાઇબ્લડપ્રેશર થવાની શકયતા વધે છે. અમેરિકામાં કોઇ પુરુષની કમ્મરનો ઘેરાવો ૧૦૨ સે.મી. થી વધારે હોય કે સ્ત્રીની કમ્મરનો ઘેરાવો ૮૮ સે.મી.થી વધારે હોય તો એને જોખમી ચિન્હ ગણવામાં આવે છે. 
  • ભારતીય લોકો માટે આ માપ ઓછુ હશે - જે હજી સુધી નિર્ધારિત થઇ શકયુ નથી. કદાચ ૭૭ સે.મી. કરતાં વધુ ઘેરાવો નુકસાનકારક સાબિત થઇ શકે એવું કેટલાક પ્રાથમિક રીપોર્ટો જણાવે છે.


3. ચામડીની જાડાઇ કેટલી હોવી જોઈએ :-

  • સ્કીન ફોલ્ડ થીકનેસ તરીકે ઓળખાતી ચરબી માપવાની આ પધ્ઘતિમાં ખાસ સાધનની મદદથી શરીરના જુદાં જુદાં ભાગોમાં (દા.ત. બાવડાં; પેટ; સાથળ વગેરે) ચામડી નીચે રહેલ ચરબીનું આડકતરું માપ કાઢવામાં આવે છે. શરીરની કુલ ચરબીમાંથી અડધોઅડધ ચામડીની નીચે હોય છે.
  • હાથ-પગમાં વધારાની ચરબી ઓછું નુકસાન કરે છે, પરંતુ પેટમાં વધારાની ચરબી પુષ્કળ નુકસાન કરે છે.
  • ગણીતિક સૂત્રની મદદથી ચામડીની જાડાઇ પરથી આખા શરીરની કુલ ચરબીનો અંદાજ પણ મળી શકે છે.


4. બોડીમાસ ઇન્ડેક્ષ પરથી ચરબીનું માપ :-

  • બોડીમાસ ઇન્ડેક્ષ ગણવાનું બહુ સહેલું છે. 
  • તમારા કિ.ગ્રા. માં માપેલ વજનને તમારી મીટરમાં માપેલ ઊંચાઇના વર્ગથી ભાગવાથી જે આંક મળે એને બોડીમાસ ઇન્ડેક્ષ કહેવામાં આવે છે. 
  • જો ભારતીય લોકોમાં બોડીમાસ ઇન્ડેક્ષ ૨૩ થી વધુ હોય તો એ 'વધુ વજન' તરીકે ઓળખાય છે અને ૨૫ થી વધુ હોય તો એ 'જાડાપણું' તરીકે ઓળખાય છે. 
  • પુરુષો માટે શરીરમાં રહેલ ચરબી (ટકા) ={(૧.૨૧૮ ગુણ્યા બોડીમાસ ઇન્ડેક્ષ) - (૧૦.૧૩)}; સ્ત્રી માટે ચરબી (ટકા) = {(૧.૪૮ ગુણ્યા બોડીમાસ ઇન્ડેક્ષ) - (૭.૧૭)}.


5. ઇલેકટ્રીક કરંટનો અવરોધ :-

  • ખૂબ ઓછી માત્રામાં ઇલેકટ્રીક કરંટ ચામડી પર લગાવી તેને કેટલો અવરોધ લાગે છે તે માપવામાં આવે છે. 
  • જેમ ચરબી વધુ હોય તેમ અવરોધ વધુ લાગે છે. 
  • આ રીતની ચોકસાઇ સારી છે પરંતુ કયાં ભાગમાં કેટલી ચરબી છે એનો અંદાજ આ રીતથી મળી શકતો નથી.


6. અન્ય રીતો :-

  • સોનોગ્રાફીની મદદથી પણ શરીરમાં રહેલ કુલ ચરબી અને જુદા જુદા અવયવમાં રહેલ ચરબીનો અંદાજ મેળવી શકાય છે. 
  • આ રીત ખર્ચાળ છે, અલબત્ત સોનોગ્રાફીમાં સી.ટી.સ્કેન કે એમ.આર.આઇ.ની તપાસ કરતાં ઓછો ખર્ચ થાય છે. અન્ય રીતમાં, હેવી વોટરની મદદથી રેડિયોલેબલ્ડ પાણીનો શરીરમાં કેટલો વ્યાપ થાય છે એનો અંદાજ મેળવવામાં આવે છે. 
  • બીજી એક રીતમાં રેડિયોલેબલ્ડ પોટેશ્યમની મદદથી શરીરમાં પોટેશ્યમનો વ્યાપ માપવામાં આવે છે. ત્યાર બાદ ખાસ સૂત્રોની મદદથી ચરબીનો અંદાજ કાઢવામાં આવે છે.
  • ટૂંકમાં, શરીરમાં રહેલ ચરબીને સીધી માપવાનું મુશ્કેલ અને ખર્ચાળ છે પરંતુ મોટાભાગના લોકોમાં ઊંચાઇ, વજન અને કમ્મર-થાપાના ઘેરાવાને આધારે શરીરમાં રહેલ ચરબીનો અંદાજ મેળવી શકાય છે. 
  • દરેક પુખ્ત વયની વ્યક્તિએ મેદવૃદ્ધિથી બચવું હોય તો પોતાનું વજન અને કમ્મરનો ઘેરાવો દર મહીને માપતા રહેવું જોઇએ. 
  • આ બેમાંથી એકમાં પણ વધારો નોંધાય કે તરત સચેત થઇ જઇ યોગ્ય પગલાં લેવાં જરૂરી છે. 
  • જયારે ખૂબ વજન વધી જાય કે ફાંદ ખૂબ મોટી થઇ જાય પછી ચરબી ઘટાડવાના પ્રયત્નો ઘણીવાર નિષ્ફળ જાય છે. 
  • શરૂઆતથી ચેતતા રહીને વજન કે પેટ વધવા ન દેવું એ ખૂબ આવશ્યક સ્વાસ્થ્ય-સબંધી સાવચેતી છે.

 

ચરબી કેવી રીતે માપી શકાય?


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ