વજન વધવાનું કારણ શું?
-------------------------------------------
સાદા શબ્દોમાં કહીએ તો શક્તિ (કેલરી) ના વપરાશ કરતાં વધુ કેલરી ખોરાકમાં લેવામાં આવે તો આ વધારાની કેલરી શરીરના મેદકોષોમાં ચરબી સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલે કે મેદવૃદ્ધિ એ શક્તિના વપરાશ અને સંચય વચ્ચેનું અસંતુલન છે અને શક્તિનો વપરાશ ઘટવાથી (બેઠાડુ જીવન પદ્ધતિથી) કે ખોરાકમાં વધુ પડતી કેલરી લેવાથી મેદવૃદ્ધિ થાય છે - વજન વધે છે.
1. વધુ શક્તિ-ચરબીવાળો ખોરાક
- ઘણા જાડા માણસો જરૂર કરતાં વધારે ખોરાક લેતા હોય છે અને પરિણામે વજન વધે જાય છે. આ લોકો શા માટે જરૂર કરતા વધુ ખાતા હશે એ ચોક્કસપણે શોધી શકાયું નથી.
- દરેક માણસને ભૂખ લાગવા માટે, ખાવા માટે અને ધરાઇ જવા માટે મગજના હાઇપોથેલેમસ વિસ્તારમાં ખાસ કેન્દ્રો (સેટાઇટી સેન્ટર) આવેલાં હોય છે, જે માણસની ખોરાક-સંબંધી ટેવોનું નિયંત્રણ કરે છે.
- ખોરાક લેતી વખતે અંત:સ્રાવી ફેરફારો અને જઠરનો ભરાવો સામાન્ય રીતે ધરવ કેન્દ્ર (સેટાઇટી સેન્ટર) ને સંદેશો મોકલીને વધુ ખોરાક લેવા પર નિયંત્રણ મૂકે છે.
- જો વ્યક્તિમાં આ કેન્દ્ર સંવેદનશીલતા ઘટી ગઇ હોય તો યોગ્ય સમયે ખોરાકની લેવા પર નિયંત્રણ મૂકી શકાતું નથી અને પરિણામે ઓવરઇટિંગ અને મેદવૃદ્વિ થઇ શકે છે. મગજના આ કેન્દ્ર ઉપરાંત ખાવાની ટેવોનું નિયમન કરવા માટે માનસિક અને સામાજિક પરિસ્થિતિઓ પણ કેટલેક અંશે જવાબદાર હોય છે.
- જાડા માણસો ખોરાકના સ્વાદ, સોડમ, સામાજિક સંદર્ભ વગેરે બાબતોને આધારે જલદીથી દોરવાય છે અને ઘણીવાર ભાવતો ખોરાક પેટ ના પાડે તો પણ પેટમાં ઠાંસ્યે જાય છે! આમ
- જરૂર કરતાં વધારે ખોરાક લેવાની ટેવ ઘણા જાડા માણસોની જાડાઇના મૂળમાં હોય છે.
- વધુ ચરબીયુકત ખોરાક લેવાથી ઓછા પ્રમાણમાં લીધેલો ખોરાક વધુ કેલરી આપે છે. એક ગ્રામ ચરબીમાંથી ૯ કિલાકેલરી મળે છે જયારે એક ગ્રામ શર્કરા કે પ્રોટિનમાંથી માત્ર ૪ કિલો કેલરી મળે છે.
- મોટા ભાગનાં ગુજરાતી ઘરોમાં નાસ્તા તરીકે વધુ ચરબીવાળી તળેલી વસ્તુઓ જ જોવા મળે છે.
- ગાંઠિયા, ભૂસું, ફાફડા, પાપડી, સેવ, ચેવડો, ચવાણું, ગોટા, પૂરી, ચકરી વગેરે ગુજરાતીઓના પ્રિય પરંતુ સ્વાસ્થ્યહર નાસ્તાઓ છે.
- ઘણા ગુજરાતીઓ ખાખરા ખાઇને એવા વહેમમાં રહેતા હોય છે કે પોતે તળ્યા વગરનો, સાદો, સ્વાસ્થ્યપ્રદ નાસ્તો કરે છે.
- પરંતુ હકીકત એ છે કે મોટા ભાગનાં ઘરોમાં ખાખરા જે રીતે બનાવવામાં આવે છે તે તો તળેલા નાસ્તા કરતાં પણ વધુ નુકસાન કરે છે.
- ખાખરાની રોટલી પર છુટથી ઘી-તેલ લગાવવામાં આવે એ પછી એને શેકવામાં આવે અને લટકામાં ખાતી વખતે ફરીથી ઘી ચોપડીને લેવામાં આવે. આમ, ૨૫-૩૦ ગ્રામના ખાખરામાં પાંચ-સાત ગ્રામ તો ઘી/તેલ આવે છે. આવો જ ભ્રમ લોકોને ભાખરી અંગે હોય છે. પૂરી, પરોઠા, ઢેબરાં, થેપલાં વગેરે તો તેલમાં તળાતાં જ હોય છે પણ ભાખરી ઘણી જગ્યાએ માત્ર-શેકાતી હોય છે.
- એટલે અંશે એમાં તેલ ઓછું આવે પણ એની સામે મોણમાં વપરાતું તેલ ઘણું વધારે હોય છે અને ખાતી વખતે પાછુ બીજું ઘી-તેલ વપરાય છે. ગુજરાતી રોજિંદા ખોરાકમાં ફુલકા રોટલી અને જુવાર-બાજરીના રોટલા આ બે જ વસ્તુઓ એવી છે કે જેમાં મોણ નથી આવતું, પરંતુ દુર્ભાગ્યે આ બંને વસ્તુ પર પણ મોટા ભાગના લોકો ઘી-કે માખણ લગાવીને જ ખાય છે અને એટલું વધારાનું ઘી -તેલ પેટમાં નાખ્યા કરે છે.
- શાક-દાળના વઘારમાં પણ ખૂબ વધારે ઘી-તેલ વપરાય છે. ખાસ કરીને જમણવારોમાં કે રસોઇયાએ બનાવેલ હોટલ / ઘરના શાક દાળ તો જાણે તેલમાં તરતાં હોય એવું લાગે છે.
- વધુ ઘી-તેલ વાપરવાથી રસોઇ જલદી થાય છે, સરસ સ્વાદિષ્ટ લાગે છે અને એટલે જ રસોઇયાઓ વધુ પડતાં ઘી-તેલ વાપરે છે. પરંતુ જો ધીરજપૂર્વક રસોઇ બનાવવામાં આવે તો ઓછા ઘી-તેલવાળી રસોઇ પણ સવાદિષ્ટ બની શકે છે-અને સ્વાસ્થ્યપ્રદ તો ખરી જ.
- આજકાલ ફાસ્ટફ્રુડનું ચલણ ખૂબ વધ્યુ છે. તૈયાર બટાકાની ચીપ્સ, કે અન્ય તળેલા નાસ્તાઓ, પીઝા, બર્ગર વગેરેનો વપરાશ ભારતીય શોખીનો ધીમેધીમે વધારી રહ્યા છે.
- આ બધામાં તેલ, બટર (માખણ), ચીઝ વગેરે ચરબીયુકત પદાર્થો છુટથી વપરાય છે. ભેલપૂરી, પાણીપૂરી વગેરે પણ તળેલા ફાસ્ટફ્રુડનાં ઉદાહરણો છે. આઇસક્રીમમાં ૧૦ થી ૧૬% જેટલી ચરબી આવે છે અને એનો વપરાશ પણ સમૃદ્વિની સાથો સાથ વધતો જાય છે.
- માવાની મીઠાઇઓ અને શુદ્વ ઘીમાં તૈયાર કરેલી મીઠાઇઓ પણ પૂષ્કળ પ્રમાણમાં ચરબી પૂરી પાડે છે. જેટલો વધુ કેલરી અને ચરબીવાળો ખોરાક લેવામાં આવે છે એટલી શરીરની ચરબી અને વજન વધવાની શકયતા રહે છે. જીભનો ચટકો સ્વાસ્થ્ય બગાડે છે.
2. બેઠાડુ જીવન
- મેદવૃદ્ધિ નોતરતું બીજુ પરિબળ છે - બેઠાડુ જીવન. ઘણા જાડા માણસોનો અભ્યાસ કરતાં એટલું તારણ નીકળ્યું હતું કે, જાડા માણસો અન્યોની સરખામણીએ શારીરિક રીતે ઓછા સક્રિય હોય છે.
- આ એક ઘણું અગત્યનું પરિબળ છે. પરંતુ માત્ર શારીરિક નિષ્ક્રિયતા મેદવૃદ્ધિ નોતરે છે એવું કહેવું સાચું નથી. ઘણીવાર તો મેદવૃદ્ધિને કારણે નિષ્ક્રિયતા આવે એવું પણ જોવા મળ્યું છે.
- આપણાં દુર્ભાગ્યે દિનપ્રતિદિન નાના બાળકથી માંડીને વૃદ્વ વ્યક્તિ સુધી દરેકની જિંદગી વધુને વધુ બેઠાડુ-બિનકસરતી થતી જાય છે.
- થોડાં વર્ષો પહેલાં જેટલાં જાડાં બાળકો જોવાં મળતા હતા એનાથી ઘણાં વધારે જાડાં બાળકો આજે જોવા મળે છે. પહેલાં જેટલું ખૂલ્લામાં બાળકો રમતાં હતાં એટલું પણ આજે રમતાં નથી.
- સ્કૂલ, ટુયૂશન અને ટી.વી.ના ચક્કરમાંથી બાળકોને બહાર નહીં કાઢાય તો આ તકલીફ વધ્યાં જ કરવાની છે. વિકસિત દેશોમાં થયેલ અભ્યાસ જણાવે છે કે ૧૨ વર્ષની ઉંમરે ૭૦ ટકા બાળકો કસરત મળે એવી પ્રવૃતિ કરતાં હોય છે પરંતુ ૨૧ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં આ ટકાવારી ઘટીને ૪૨(પૂરુષ માટે) થી ૩૦(સ્ત્રી માટે) જેટલી થઇ જાય છે. જેમ જેમ ઉંમર વધે છે, એમ એમ બેઠાડુ જિંદગી જીવનારાઓની સંખ્યા વધતી જાય છે.
- બાળપણમાં બેઠાડુ જીવન અને જાડાપણું મોટી ઉંમરે હ્રદયરોગનો પાયો નાંખે છે. એ વાતથી મોટા ભાગના લોકો અજાણ હોય છે. ઘણીવાર જાડાં છોકરાને ' તંદુરસ્ત ' કહેવાય છે અને સપ્રમાણ શરીર ધરાવનારને ' નબળો ' કહેવાય છે ! પરંતુ હકીકત આનાથી ઊંધી હોય છે.
- સુખસગવડના સાધનો વજન વધારે છે?:
- બેઠાડુ જિંદગીને વધુ શ્રમહીન કરવામાં આધુનિક સુખસગવડનાં સાધનો નોંધપાત્ર ફાળો આપે છે.
- એક સરેરાશ શહેરી બેઠાડુ વ્યક્તિના જીવનમાં નીચેનાં સાધનો પ્રવેશે ત્યારે શરીરને મળતી કસરતોમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. દરેક સાધન - સગવડના પ્રવેશથી બિનકસરતી સરેરાશ બેઠાડુ વ્યક્તિમાં અઠવાડિયે કેટલી કિ.કેલરી ઓછી વપરાય એ અંગે અહીં એક અંદાજ આપ્યો છે.
3. વારસાગત
- જો કે વધુ ખોરાક અને શારીરિક નિષ્ક્રિયતા ઉપરાંત પણ કેટલાંક અન્ય પરિબળો જાડાઇ વધારવા માટે જવાબદાર હોય છે.
- મેદવૃદ્ધિ ઘણીવાર વંશપરંપરાગત કારણોને લીધે પણ થઇ શકે છે.
- જોડિયાં બાળકોના એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે જોડિયા બાળકોને છૂટાં પાડી દઇ એકને તેના જન્મદાતા મા-બાપ પાસે અને બીજાને અન્ય કોઇ સાવકા મા-બાપ પાસે ઉછેરવામાં આવે તો પણ બંને જોડિયા ભાઇઓનું વજન તેમના જન્મદાતા મા-બાપનાં વજન સાથે મળતું રહેતું હોય છે.
- આમ, માત્ર ખોરાક અને શારીરિક નિષ્ક્રિયતા ઉપરાંત જીનેટિક (આનુવંશિક) કારણો પણ મેદવૃદ્ધિ માટે જવાબદાર હોઇ શકે. એવું ઘણા બધાનું નિરીક્ષણ હોય છે કે એક જ કુટુંબમાં એક કરતાં વધુ વ્યક્તિ જાડી હોય.
- જાડાપણું એ વારસામાં મળતી બિમારી છે. વ્યક્તિના શરીરમાં રહેલ ચરબીના ૩૦ થી ૫૦ ટકા જેટલો આધાર એને વારસામાં મળેલ જનિન ઉપર હોય છે.
- છેલ્લામાં છેલ્લાં સંશોધનો પ્રમાણે ચરબીના કોષમાંથી લેપ્ટીન નામનું પ્રોટીન ચરબી કોષમાંથી છુટુ પડી લોહીમાં ભળે છે.
- આ લેપ્ટીનનું કામ લોહી દ્વારા મગજ સુધી પહોંચીને મગજને શરીરમાં રહેલ ચરબીના જથ્થાની જાણ કરવાનું હોય છે. શરીરમાં જેટલી વધુ ચરબી હોય એટલા વધુ પ્રમાણમાં લેપ્ટીન બને છે. લોહીમાં ફરતા લેપ્ટીનને ઓળખીને મગજના કોષોને એની જાણ કરવા માટે ખાસ રીસેપ્ટર મગજમાં આવેલા હોય છે.
- અમુક પ્રકારની જનિનીક ખામીઓ ને કારણે મગજના કોષો લોહીમાં ફરતા લેપ્ટીનની નોંધ નથી લઇ શકતા; અને પરિણામે શરીરમાં ચરબીનો ભરાવો ન થાય એ માટેના પગલાં નથી લઇ શકતા.
- તંદુરસ્ત વ્યક્તિઓમાં જયારે ચરબીના કોષોમાંથી લેપ્ટીન છુટુ પડી, મગજનાં રીસેપ્ટર સુધી પહોંચી મગજને જાણ કરે છે કે શરીરમાં ચરબીનો જથ્થો પૂરતો છે ત્યારે મગજના હાઇપોથેલેમસ વિસ્તારમાંથી જુદા જુદા હુકમો છૂટે છે.
- જેને લીધે ત્યાં 'ન્યૂરોપેપ્ટાઇડ વ્હાય' નામના રસાયણનું ઉત્પાદન ઘટી જાય છે. 'ન્યૂરોપેપ્ટાઇડ વ્હાય' સામાન્ય સંજોગોમાં વધુ ભૂખ લગાડવાનું; શરીરમાં ગરમીનું ઉત્પાદન ઘટાડવાનું (અને એ રીતે શક્તિનો સંચય કરવાનું); તેમજ ઇન્સ્યુલિન અને સ્ટીરોઇડ અંત:સ્રાવ નું પ્રમાણ વધારી મુકવાનું કામ કરે છે.
- ચરબીના કોષોમાં ચરબીનો જથ્થો પર્યાપ્ત હોય ત્યારે એમાંથી નીકળતું લેપ્ટીન આ 'ન્યૂરોપેપ્ટાઇડ વ્હાય' નું ઉત્પાદન ઘટાડે છે જેને પરિણામે ભૂખ ન લાગવી, શરીરમાં વધુ શક્તિ વપરાવી ત્થા ઇન્સ્યુલિન અને સ્ટીરોઇડ અંત:સ્રાવો ઘટવા વગેરે અસરો થાય છે.
- વધારાની શક્તિ અને ચરબીને બાળી નાંખીને શરીરનું વજન વધતું અટકાવવામાં ઉપયોગી અન-કપલીંગ પ્રોટીન-૨ અને ૩ તાજેતરમાં જ માણસના ચરબી, તથા કિડનીના કોષોમાં જોવા મળ્યાં છે. એવી શકયતાઓ ખરી કે જાડા માણસોમાં આ પ્રકારના વજન વધતુ અટકાવતા પ્રાટીનની ઊણપ હોય.
- આવું જ બીજું એક પરિબળ ધ્યાનમાં આવ્યું છે જેનું નામ છે બીટા-૩ રીસેપ્ટર. આ રીસેપ્ટર ચરબીના કોષોમાંથી ચરબીને બહાર ધકેલવાના કામની શરૂઆત કરે છે (યોગ્ય સંદેશો ઝીલવાનું અને કોષની અંદર એની અસરો કરવાનું કામ રીસેપ્ટરનું હોય છે).
- આ રીસેપ્ટરની ઉણપ પણ વજન વધારવા માટે જવાબદાર હોઇ શકે. આ ઉપરાંત, ગ્રોથ હોર્મોન નામનો વૃ(ધ્ધ સાથે સંકળાયેલ અંત:સ્રાવ પણ ચરબીમાં ઘટાડો કરવા અને સ્નાયુ-હાડકાંનાં જથ્થામાં વધારે કરવાની તાકાત ધરાવે છે. આ ગ્રોથ હોર્મોન પર પણ અભ્યાસ ચાલુ છે. અને નજીકના ભવિષ્યમાં એમાંથી દવા મળી આવે એવી શકયતા છે.
- જનિનની ખરાબીને કારણે મગજના હાઇપોથેલેમસ વિસ્તારને નુકસાન પહોંચે ત્યારે પણ મેદવૃદ્ધિનો રોગ થઇ શકે છે.
- ફ્રોહલીક સિન્ડ્રોમ અને પ્રેડર વીલી સિન્ડ્રોમ આ રીતે મેદવૃદ્ધિ સાથે સંકળાયેલા રોગો છે, જેમાં મેદવૃદ્ધિ ઉપરાંત માનસિક કે જાતીય વિકાસનો અભાવ જોવા મળે છે. જો કે આ બધાં સિન્ડ્રોમ કુલ મેદવૃદ્ધિના બહુ ઓછા દર્દીમાં જોવા મળે છે.
- બાકીના મોટા ભાગના મેદવૃદ્ધિના દર્દીઓમાં વજન વધવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
4. અંત:સ્રાવના રોગો
- કેટલીક વખત શરીરના અંત:સ્રાવ (હોર્મોન્સ) ની ગરબડને કારણે અન્ય રોગની સાથે મેદવૃદ્ધિ થાય એવું જોવા મળે છે. હાઇપોથાઇરોઇડ, કુશીંગ સિન્ડ્રોમ, ઇન્સ્યુલિનોમા વગેરે અંત:સ્રાવી રોગોમાં અંત:સ્ત્રાવનું સંતુલન ખોરવાઇ જવાને પરિણામે ક્યારેક મેદવૃદ્ધિ જોવા મળે છે,
- શરીરમાં થાઇરોઈડ અંત:સ્રાવનુ પ્રમાણ ઘણી સ્ત્રીઓમાં ત્રીસેક વર્ષની આસપાસ ઘટી જાય છે.
- થાઇરોઈડ ઘટી જવાથી શરીરની ચયાપચયની અને શક્તિના વપરાશની પ્રક્રિયા ધીમી પડી જાય છે, જેને પરિણામે વજન વધે છે.
- આ ઉપરાંત, સોજા આવવા, વધુ ઠંડી લાગવી, કબજિયાત રહેવો વગેરે તકલીફો પણ થાઇરોઈડ ઘટી જવાથી થાય છે. થાઇરોઈડ ઘટી જવાથી જેમનું વજન વધ્યુ હોય એવા દર્દીઓમાં થાઇરોઈડની દવા લેવાથી વજન તરત કાબૂમાં આવવા માંડે છે.
- કેટલાંક દર્દીઓના શરીરમાં સ્ટીરોઇડ અંત:સ્રાવ વધવાને કારણે પણ વજન વધે છે. હાથે-પગે સોજા આવવા, પેટ અને ગરદન આગળ ચરબીનો ભરાવો થવો, થાક લાગવો, બ્લડપ્રેશર વધવુ, ચામડી નબળી પડવી, સ્ત્રીઓમાં માસિક બંધ થવુ અને અનીચ્છિત વાળ ઊગવા વગેરે લક્ષણો દેખાય છે. સ્ટીરોઈડ અંત:સ્રાવ જયાં વધુ પ્રમાણમાં બનતો હોય એ ગ્રંથિને શોધીને ઓપરેશનથી કાઢી નાંખવાથી આ બઘી તકલીફો દૂર થઇ જાય છે અને વજન પૂર્વવત્ સામાન્ય થઇ જાય છે.
- કેટલીક સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતા સાથે અનીચ્છિત વાળ ઊગવા, ખીલ થવા, વ્યંધત્વ અને વજન વધવાની તકલીફ અંડપિંડની ખરાબીને કારણે જોવા મળે છે જે પોલિસિસ્ટીક ઓવેરીયન સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. આ બીમારીમાં શરીરની વધુ ચરબી બીમારીને વધારે છે એટલે દવાઓની સાથોસાથ ખોરાક પર નિયંત્રણ અને કસરતો કરવી ખૂબ જરૂરી છે.
5. દવાઓ
- કેટલીક દવાઓનો વપરાશ પણ વજન વધારવા માટે કારણભૂત બને છે. સ્ટીરોઈડ દવાઓ લાંબો સમય લેવાથી મોટા ભાગના દર્દીઓમાં વજન વઘે છે - સોજા આવે છે અને પીઠના ભાગે સોજા આવે છે. આ ઉપરાંત, ખેંચ (વાઇ)ની સારવારમાં વપરાતી વાલપ્રોએટ અને કાર્બામાઝેપીન નામનીદવાઓ પણ લાંબે ગાળે વજન વધારે છે. ટેરાઝોસીન નામની બ્લડપ્રેશર ઘટાડતી અને પ્રોસ્ટેટની બીમારીમાં વપરાતી દવાઓ અને ડિપ્રેશન માટે વપરાતી ઇમીપ્રામીન જૂથની દવાઓ પણ વજન વધારી શકે છે. કયારેક ફીનોથાયાઝીન જૂથની દવાઓ પણ વજન વધારવા માટે જવાબદાર હોય છે.
6. વધતી ઉંમર
- વજન વધવાનું ચોકકસ કારણ શું અને એની શરૂઆત કઇ ઉંમરે થાય છે એ અંગે હજી સુધી વૈજ્ઞાનિકો પાસે પુરી જાણકારી નથી.
- થોડા વર્ષો પહેલાં એવું મનાતું હતું કે જન્મ સમયે કે જીવનના પહેલા વર્ષ દરમ્યાન વધુ વજન ધરાવતા લોકો પુખ્ત વયે જાડા રહે છે. પરંતુ, કાળજીપૂર્વક કરાયેલા અનેક અભ્યાસો જણાવે છે કે પાંચ વર્ષથી નાની ઉંમરના વજનને પુખ્ત વયના વજન સાથે કોઇ સીધો સંબંધ નથી.
- નાની વયે વધુ ચરબીકોષો બની જાય તો વજન વધ્યા જ કરે એવી માન્યતા પણ ભૂલભરેલી સાબિત થઇ છે.
- આખી જિંદગી દરમ્યાન પાંચ વર્ષની ઉંમરે બાળકનું વજન એની ઊંચાઇની સરખામણીએ સૌથી ઓછુ હોય છે.
- વજન અને ઊંચાઇના વર્ગનો ગુણોત્તર (બોડી માસ ઇન્ડેકસ તરીકે ઓળખાય છ) ૫ વર્ષની વયે સૌથી ઓછો હોય છે. ત્યાર પછી ૧૨ વર્ષ સુધી આ ગુણોત્તર વધ્યા કરે છે અને આ ગાળા દરમ્યાન જો વજન વધારે હોય તો પુખ્ત વયે પણ વજન વધારે જ રહે એવી શકયતા હોય છે.
- આશરે ૨૫ ટકા જાડા તરુણો (૧૨ વર્ષની ઉંમરે) પુખ્ત વયે પણ જાડા જ હોય છે. પરંતુ, દરેક પુખ્ત વયે જાડા લોકો નાનપણમાં જાડા હોય એ જરૂરી નથી. પુખ્ત વયે જાડા ૧૦૦ લોકોમાંથી પાંચ જ નાનપણમાં જાડા હોય છે. બાકીના બધા પુખ્ત વયે જાડા બને છે.
- ભારતીય લોકોમાં એવું જોવા મળે છે કે નોકરી-ધંધામાં સ્થાયી થયા પછી પુરૂષોનું અને ૧-૨ બાળકના જન્મ પછી સ્ત્રીઓનું વજન વધવા માંડે છે.
- આમ થવાનું મુખ્ય કારણ ઉત્તરોત્તર શારીરિક શ્રમમાં ઘટાડો થવા છતાં ખોરાકની ટેવોમાં અને એની કેલરીમાં ઘટાડો થતો નથી, એ છે.
- નાનપણમાં વધુ રમતગમત અને વધતા શરીરને ધ્યાનમાં લઇ વધુ ચરબી-પ્રોટીન અને કેલરીવાળા ખોરાકની જરૂર પડે છે.
- પરંતુ રમત-ગમત-વૃદ્ધિ બંધ થઇ ગયા પછી પણ વધુ ચરબીવાળો ખોરાક ભાવતો થઇ ગયો હોવાથી એ વધુ પ્રમાણમાં ખાવાનું ચાલુ જ રહે તો સ્વાભાવિક રીતે વજન વધવા લાગે છે. સ્ત્રીઓમાં પણ, સગર્ભાવસ્થા અને ધાત્રી અવસ્થા દરમ્યાન વધુ ચરબી અને કેલરીવાળો ખોરાક આપવામાં આવે છે.
- જો સ્ત્રી-બાળકની જરૂરિયાત કરતાં વધુ ખોરાક આપવામાં આવે તો એ ચરબી તરીકે જમા થવા લાગે છે. સામાન્ય રીતે સગર્ભાવસ્થા દરમ્યાન સરેરાશ ૩-૪ કિલો ચરબી જમા થાય છે. જો બાળકને પૂરતું સ્તનપાન કરાવવામાં આવે તો આટલું વજન સહેલાઇથી ઘટાડી શકાય છે.
- પરંતુ, સ્તનપાન ન કરાવવામાં આવે કે ૬ મહિનાથી ઓછો સમય કરાવાય કે વધુ ચરબીવાળો ખોરાક ચાલુ રાખવામાં આવે તો ધાત્રી અવસ્થામાં પણ વજન વધવા લાગે છે.
- મોટાભાગનાં ઘરોમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા દરમ્યાન સ્ત્રીઓનો શારીરિક શ્રમ ઘટે છે જે વજન વધારવા માટે અગત્યનો ફાળો આપે છે.
- આ ઉપરાંત, જેમ ઉંમર વધતી જાય છે તેમ આરામના સમયે વપરાતી કેલરી ઘટતી જાય છે.
- દર ૧૦ વર્ષે આરામના સમયે વપરાતી કેલરીમાં ૫ ટકાનો ઘટાડો થાય છે જેને પરિણામે એક સરખો ખોરાક ખાનાર યુવાન અને વૃદ્ધ વ્યક્તિમાંથી વૃદ્ધ વ્યક્તિના શરીરમાં વધુ કેલરી વપરાયા વગરની જમા થશે - જે ચરબી સ્વરૂપે સંઘરાઇને શરીરનું વજન વધારશે.
- વળી વૃદ્ધ વયે શારીરિક સક્રિયતા યુવાની કરતાં ઓછી જ રહે છે. જે વજન વધારવામાં ફાળો આપે છે.
- વૃદ્ધો પાસે વધુ ફુરસદનો સમય હોવા છતાં ચાલવા, તરવા કે રમત રમવાની પ્રવૃત્તિઓ તેઓ ઓછી કરે છે અથવા શારીરિક મર્યાદા (ઘુંટણ-કમ્મરનો દુ:ખાવો, એન્જાઇના વગેરે) ને કારણે નથી કરી શકતા. ટી.વી. જોવામાં કે છાપા વાંચવામાં મોટાભાગના વૃદ્ધોનો સમય પસાર થઇ જાય છે જે છેવટે વજન વધારે છે.
- રજોનિવૃતિ આવે ત્યારે સ્ત્રૈણ અંત:સ્રાવોનું પ્રમાણ ઘટવાથી હાથ - પગ - થાપાને બદલે પેટ ઉપર વધુ ચરબી જમા થવા લાગે છે.
- રજોનિવૃતિની આસપાસના સમયગાળામાં સરેરાશ ૨ થી ૨.૫ કિ.ગ્રા. વજન વધે છે. વજન અને પેટનો ઘેરાવો વધવાથી રોગોનું જોખમ પણ વધે જ છે.
- ટૂંકમાં કોઇપણ ઉંમરે, કમ્મર પાતળી રાખવી એ માત્ર સૌંદર્ય માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે.
- આમ, જુદી જુદી ઉંમરે, જુદાં જુદાં કારણોસર વજન વધતું રહે છે. જેટલી નાની ઉંમરે વજન વધે એટલું એને કારણે ઉદભવતું જોખમ પણ વધે છે.
0 ટિપ્પણીઓ