ગણતરીની મિનિટોમાં પાતળા થવાના નુસ્ખા
-------------------------------------------------------
આજકાલ શહેરોમાં લોકોને ગણતરીની મિનિટોમાં પાતળા કરી આપવાનો દાવો કરતાં કેન્દ્રો બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યાં છે.
પંદર થી ત્રીસ મિનિટમાં અમુક ઇંચ ઘેરાવો કે અમુક કિલો વજન ઘટાડી આપવાની જાહેરાતો હજારો રૂપિયા ખર્ચીને વર્તમાનપત્રોમાં આપવામાં આવે છે.
આવી જાહેરખબરો અને પ્રચાર સાહિત્ય વાંચીને ઘણા લોકોને પ્રષ્ન થતો હોય છે કે શું આવું શકય છે? જો શકય હોય તો આ રીતે વજન ઓછું કરવાથી કોઇ નુકસાન ખરું? શું આવા કેન્દ્રમાં ઉતારેલું વજન કાયમ ઓછું રહે છે કે પછી પાછું વધી જાય છે?
જાતજાતના દેશો - ઇટાલી, જર્મની, જાપાન, ઓસ્ટ્રેલિયાના નામે આવા વજન ઘટાડી આપનારાં કેન્દ્રો પોતાનો ધંધો ચલાવે છે. ખાસ ઇટાલીયન કે ઓસ્ટ્રેલિયન કે જાપાનીઝ ટ્રીટમેન્ટ આપવાનો દાવો કરતાં આવાં કલિનિકોમાં કયાંય વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી, આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ પામેલ સારવાર પધ્ધતિ હોતી નથી. વજન ઘટાડવાની કોઇ વૈજ્ઞાનિક સારવાર પધ્ધતિ કદી ગણતરીની મિનિટોમાં વજન કે પેટનો ઘેરાવો ઓછો કરવાનો દાવો નથી કરતી અને એમ કરવામાં નુકસાન થાય છે એવું માને છે.
હકીકતમાં વગર મહેનતે અને વગર ધીરજે તાત્કાલિક કંઇક મેળવી લેવાની ઘેલછા આવાં કેન્દ્રોને ઉત્તેજન આપે છે.
વજન ઘટાડવા માટે કોઇપણ ડોકટરની સલાહ લેવામાં આવે ત્યારે સામાન્ય રીતે બે સલાહ મળે છે.
(૧) નિયમિત કસરત કરવી,
(૨) ખોરાકમાંથી મળતી કુલ કેલરી ઘટાડો. ઘણા બધા દર્દીઓને આ સલાહ પસંદ નથી પડતી.
દર્દી ન તો પોતાનું આળસુપણું છોડવા ઇચ્છે છે, ન તો ખોરાકની ટેવો. મોટા ભાગના વધુ વજન ધરાવતા દર્દીઓની એક જ માગણી હોય છે, 'સાહેબ એવી કોઇક ગોળી આપી દો ને કે આ વજન ઉતરી જાય અને કસરત કે ખોરાકની પરેજીની માથાકૂટ ન રહે' વધુ વજન ધરાવતા લોકોની આ મનોવૃતિ જાણતા લોકો જાહેરાતો કરી કરીને દર્દીને લલચાવે છે કે અમે કસરત વગર અને ખોરાકમાં ફેરફાર વગર ગણતરીની મિનિટોમાં વજન ઘટાડી આપીએ છીએ અને પરિણામે આવા દર્દીઓ વજન ઘટાડવાના ખાસ કલિનિક પર પહોંચી જાય છે. થોડાક દિવસમાં અમુક કિલો વજન (શરીરનું અને ખીસાનું પણ) ઘટાડી આપે છે અને પાછા પોતાની જૂની ખાવા-પીવા-રહેવાની ટેવોને પરિણામે ટૂંક સમયમાં જ પહેલાં જેટલું જ કે પહેલાંથી પણ વધારે વજન થઇ જાય છે. વળી, પાછું બે-ચાર મહિને નવા કોઇ સ્લીમીંગ સેન્ટરની જાહેરાત જોઇ એમાં જોડાઇ જાય છે.
આમ પૈસા અને તંદુરસ્તીની બરબાદીનું આ વિષચક્ર ચાલ્યા કરે છે અને છેવટે દર્દી કંટાળીને પોતાના ભારે શરીર સાથે બાકીની જિંદગી વિતાવવાનું કમને પણ નકકી કરી લે છે! વજન ઘટાડવાના ર્શોટકટ અને શોર્ટકોર્સ માત્ર ટૂંકા ગાળાના જ પરિણામો આપે છે પણ દુર્ભાગ્યે મહેનત કરવાનું અને તબિયત અંગે કાયમી સાવચેતી રાખવાનું મોટાભાગના દર્દીઓ પસંદ નથી કરતા અને પરિણામે વગર પ્રયત્ને, રાતોરાત પાતળા થવાના ખ્યાલથી ખુશ થઇને પૈસા અને તબિયતનું નુકસાન કરી બેસે છે.
રાતોરાત વજન ઓછું કરી બતાવનારા પણ કંઈ શરીરની ચરબી ઘટાડીને વજન નથી ઘટાડતા, શરીરમાં તાત્કાલિક વજન ઘટાડવું હોય તો સૌથી સહેલો રસ્તો શરીરમાંથી પાણીનો ભાગ ઘટાડવાનો છે. પેશાબ વધારે થાય એવી દવાઓની મદદથી અથવા ખોરાકમાં મીઠાનું પ્રમાણ એકદમ ઘટાડી નાંખવાથી શરીરમાંથી પાણીનું કુલ પ્રમાણ થોડુંક ઘટે છે. પરંતુ, આ અસર માત્ર શરૂઆતના દિવસોમાં જ રહે છે.
ઉપવાસ કરનાર વ્યક્તિના શરીરનું વજન ઘટવાનું મુખ્ય કારણ શરૂઆતના દિવસોમાં તો શરીરનું પાણી ઓછું થઇ જવાનું જ હોય છે. જો ૨-૩ દિવસથી વધુ લાંબા ઉપવાસ કરવામાં આવે તો જ પછી ધીમે ધીમે ચરબી ઘટે છે.
એટલે ૧-૨ દિવસમાં ૧-૨ કિલો વજન ઘટે તો એ કંઈ શરીરની ચરબી ઘટવાથી ઓછું થયેલ વજન નથી અને જેવો નોર્મલ ખોરાક લેવાનું, મીઠું લેવાનું શરૂ કરવામાં આવે કે દવા લેવાનું બંધ કરવામાં આવે કે તરત શરૂઆતમાં ઘટેલું વજન પાછું વધી જાય છે.
પેટના ભાગની ચરબી ઘટાડવા માટે પેટ પર બાંધવાના ઈલેકિટ્રકલ બેલ્ટનો વપરાશ પણ આજકાલ કેટલાંક ઠેકાણે થાય છે.
પેટના સ્નાયુઓને કસરત કર્યા વગર ઈલેકિટ્રક કરંટથી કસરત કરાવવાનો અને ચરબીના કોષોમાંથી ચરબી ઘટાડવાનો દાવો કરતાં આવા મશીનો અમેરીકામાં થોડાં વર્ષો પહેલાં ખૂબ પ્રચલિત હતાં. પછી ત્યાંના આરોગ્ય વિભાગનું ધ્યાન ગયું કે આ રીતના મશીનોને કારણે વ્યંધત્વથી માંડીને આવનાર બાળકને ખોડખાંપણ થવા સુધીની ગંભીર આડઅસર થઈ શકે છે.
આ પછી સરકારે આવા મશીનો વાપરવા અને વેચવા સામે જાહેર ચેતવણી છપાવીને પ્રસિધ્ધ કરી અને આવાં મશીનો વેચવા પર નિયંત્રણ મૂકયાં. આપણે ત્યાં આવા મશીનો બેરોકટોક વપરાય છે.
અમુક લોકો ભૂખ ન લાગે એવી દવા લઈને વજન ઉતારવાનો પ્રયત્ન કરે છે પણ આવી બધી દવાઓની મન પર વિપરિત અસર થાય છે અને કયારેક દર્દી ગંભીર હતાશા (ડીપ્રેશન)નો ભોગ બની જાય છે.
વગર મહેનતે, વગર પરેજીએ વજન ઉતારવાની ઘેલછા ગંભીર આડઅસરો નીપજાવી શકે છે.
જો તમારી મહેનત કરવાની તૈયારી અને ધીરજ હોય તો વજન ઉતારવાનું અને ઉતરેલું વજન જાળવી રાખવાનું અઘરું નથી.
વજન ઉતારવું અને ઉતરેલું વજન જાળવી રાખવું હોય તો ખોરાકમાં ઘી-તેલ-માખણનો વપરાશ બિલકુલ ઘટાડી નાખો; રોટલા-રોટલી, ભાખરી-ભાત-કઠોળ વગેરેનો વપરાશ સહેજ ઓછો કરો; કાકડી, ટામેટાં, ગાજર, મૂળા, લીલી ભાજી, ફળોનો વપરાશ શકય એટલો વધારે કરો;
દરેક ટંકની ખાવાની શરૂઆત કાચાં શાકભાજીથી કરો; અને સૌથી અગત્યનું આળસ છોડી દરેક કામ જાતે ઉઠીને કરવાની ટેવ પાડો તથા નિયમિત ચાલવા-દોડવા-ચડવા-તરવાની કસરત કરો.
તમને વજન ઘટવાની સાથે વધુ તાકાતનો; વધુ સ્ફૂર્તિનો અનુભવ થશે. આ ખાવા-પીવા-કસરતની ટેવ જિંદગીભર ચાલુ રાખશો તો માત્ર જાડાપણું જ નહીં, પણ અન્ય અનેક રોગોથી પણ બચી શકશો. જરૂર છે માત્ર આળસ છોડવાની!
વગર મહેનતે, વગર પરેજીએ વજન ઉતારવાની ઘેલછા ગંભીર આડઅસરો કરે છે. વજન ઘટાડવાની કોઇ વૈજ્ઞાનિક સારવાર પધ્ધતિ કદી ગણતરીની મિનિટોમાં વજન કે પેટનો ઘેરાવો ઓછો કરવાનો દાવો નથી કરતી અને એમ કરવામાં નુકસાન થાય છે એવું માને છે. આળસ છોડો - સ્વસ્થ બનો.
0 ટિપ્પણીઓ