Advertisement

અજીર્ણ-અપચો

અજીર્ણ-અપચો
-------------------------

ગરમ પાણી પીને એક કે બે ઉપવાસ કરવા. ભૂખ લાગે ત્યારે જ જમવું. ઘઉં, ચોખા, મગ, કૂણા મૂળા, વંદેગણ, સૂરણ, પરવળ, પાકાં કેળાં, દાડમ, દ્રાક્ષ, દૂધ, ઘી, દહીં, છાસ વગેરેનું સેવન કરવું.
અજીર્ણના ત્રણ પ્રકાર છે.

  • (૧) કફથી થતું આમાજીર્ણ – એનાં લક્ષણોમાં આહારના ઓડકાર આવવા, મોળ છૂટવી, પેટ ભારે લાગવું, આળસ, થાક, સુસ્તી, શરીર જડ જેવું લાગે, ભૂખ ન લાગવી વગેરે છે. એમાં ઉપવાસ કરવા જોઈએ. 
  • (૨) પિત્તથી થતું વિદગ્ધાજીર્ણ – એમાં છાતી, ગળું, હોજરીમાં બળતરા થાય છે. કડવા, તીખા ઘચરકા કે ઉલટી થાય, ચક્કર આવવાં વગેરે લક્ષણો હોય છે. એક-બે ઉપવાસ કરવા. ઉપવાસ દરમિયાન સાકરવાળું દૂધ, દૂધનું શરબત, આઈસક્રીમ વગેરે લઈ શકાય. ઉપવાસ પછી દૂધ-રોટલી, દૂધ-ભાત, ખીર, દૂધ-પૌંઆ જ લેવા.
  •  (૩) વાયુથી થતું વિષ્ટબ્ધાજીર્ણ એનાં લક્ષણોમાં કબજિયાત, પેટ તંગ-ભારે થવું, આફરો, અધોવાયુની ગતિ અટકી જવી, વાયુના પ્રકોપથી જમ્યા પછી ઉછાળા આવવા વગેરે છે. એમાં પ્રથમ એક દિવસ ફક્ત મગના પાણી પર રહેવું. પછી એક દિવસ ફળોના રસ પર રહ્યા પછી હળવો સુપાચ્ય આહાર લેવો. એક-બે કિલોમીટર ચાલવું. 
  • (૪) અપચો કે વાયુની પેટ પીડા વખતે ગરમ પાણી કે અજમો નાખી ગરમ કરેલું પાણી પીવાથી લાભ થાય છે. 
  • (૫) આદુ અને લીંબુના ૧૦-૧૦ ગ્રામ રસમાં ૧.૫ ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી અજીર્ણ મટે છે.
  •  (૬) કાચાં ટામેટાંને શાકની જેમ સમારીને કલાઈવાળી તપેલીમાં થોડી વાર શેકીને મરી તથા સિંધવનું ચૂર્ણ મેળવી અથવા એકાદ ગ્રામ સોડા-બાઈકાર્બ ભેળવીને ખાવાથી અજીર્ણ મટે છે. 
  • (૭) ડુંગળીનો રસ અને કારેલાંનો રસ ભેગો પીવાથી અજીર્ણ મટે છે. 
  • (૮) તજ લેવાથી અજીર્ણ મટે છે. 
  • (૯) લીંબુના ચાર કકડા કરી કાચના વાસણમાં મીઠું, મરી અને સૂંઠનું ચૂર્ણ નાખી તડકામાં રાખી મૂકવાથી મીઠાના સંયોગથી થોડા જ દિવસોમાં લીંબુ ગળી જાય છે. તે ખાવાથી અજીર્ણ, મોઢાની લાળ, મુખની વિરસતા-બેસ્વાદપણું મટે છે.
  •  (૧૦) લીંબુ કાપી સિંધવ ભભરાવી ભોજન અગાઉ ચૂસવાથી અજીર્ણ મટે છે. 
  • (૧૧) સૂંઠ, મરી, પીપર અને સિંધવ સમાન ભાગે લઈ, ચૂર્ણ કરી છાસમાં નાખીને પીવાથી અજીર્ણ મટે છે. 
  • (૧૨) છાસમાં સિંધવ અને મરીનું ચૂર્ણ નાખીને પીવાથી અજીર્ણ મટે છે. 
  • (૧૩) બહુ પાણી પીવાથી, કસમયે ભોજન કરવાથી, મળ-મૂત્રાદિના વેગને રોકવાથી, સમયસર નિદ્રા ન લેવાથી, ઓછું કે વધારે ખાવાથી અજીર્ણ થાય છે. આથી કારણને જાણીને તેનું નિવારણ કરવું. 
  • (૧૪) આદુ સાથે સિંધવ ખાવાથી મંદાગ્નિ મટે છે. 
  • (૧૫) લવિંગ અને લીંડીપીપરના ચૂર્ણને ૧થી ૩ ગ્રામ મધ સાથે સવાર સાંજ લેવાથી મંદાગ્નિ મટે છે. આ પ્રયોગ બે અઠવાડિયાથી વધુ ન કરવો. 
  • (૧૬) ભોજન પહેલાં લીંબુ અને આદુના રસમાં સિંધવ મેળવી પીવાથી મંદાગ્નિ, અજીર્ણ અને અરુચિમાં લાભ થાય છે. 
  • (૧૭) હરડે અને સૂંઠનું ચૂર્ણ સવારે ખાલી પેટે લેવાથી મંદાગ્નિમાં લાભ થાય છે.
  •  (૧૮) હિંગની ચણા જેવડી ગોળી ઘી સાથે ગળવાથી અજીર્ણ તથા વાયુનો ગોળો મટે છે. 
  • (૧૯) અર્ધી ચમચી કાચા પપૈયાનું દૂધ ખાંડ સાથે લેવાથી અજીર્ણ મટે છે.
  •  (૨૦) કોકમનો ઉકાળો કરી ઘી નાખી પીવાથી અજીર્ણ મટે છે. 
  • (૨૧) પાકા અનનાસના નાના કકડા કરી, મરી અને સિંધવની ભૂકી ભભરાવી ખાવાથી અજીર્ણ મટે છે. 
  • (૨૨) લસણ, ખાંડ અને સિંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે. 
  • (૨૩) સમાન ભાગે સૂંઠ અને ગોખરુંનો ક્વાથ કરી રોજ સવારે પીવાથી અજીર્ણ મટે છે. 
  • (૨૪) સારાં પાકાં લીંબુના ૪૦૦ ગ્રામ રસમાં ૧ કિલો ખાંડ નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી લેવું. આ શરબત ૧૫થી ૨૫ ગ્રામ જેટલું પાણી મેળવી પીવાથી અપચો મટે છે. 
  • (૨૫) એક માટલામાં લીંબુ અને મીઠાના થર ઉપર થર કરી, દબાવી રાખી, લીંબુને સારી રીતે આથવાં. પછી તેમાંથી એક એક લીંબુ લઈ ખાવાથી અજીર્ણ દૂર થાય છે. 
  • (૨૬) ૪૦૦ મિ.લિ. ઊકળતા પાણીમાં ૨૫ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી ૨૦-૨૫ મિનિટ ઢાંકી રાખવું. ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી ૨૫થી ૫૦ ગ્રામ જેટલું પીવાથી પેટનો અપચો, ખરાબ ઓડકાર, ઉદરશૂળ મટે છે. 
  • (૨૭) સમભાગે સૂંઠ અને જવખાર ઘી સાથે ચાટી ઉપર ગરમ પાણી પીવાથી અજીર્ણ મટે છે; ભૂખ ઊઘડે છે. 
  • (૨૮) સૂંઠ ૫ ગ્રામ અને જુનો ગોળ ૫ ગ્રામ મસળી રોજ સવારમાં ખાવાથી અજીર્ણ, અને ગૅસ મટે છે. 
  • (૨૯) ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સિંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબૂત બૂચ મારી એક અઠવાડિયા સુધી રાખી મૂકવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ ૫૦-૬૦ ગ્રામ દિવસમાં ત્રણ વાર પીવાથી અપચો મટે છે. 
  • (૩૦) એક-બે ગ્રામ રાઈનું ચૂર્ણ થોડી ખાંડ મેળવી ખાવાથી અને ઉપર ૫૦-૬૦ મિ.લિ. પાણી પીવાથી અપચો અને ઉદરશૂળ મટે છે. 
  • (૩૧) કુમળા મૂળાનો ઉકાળો કરી, તેમાં પીપરનું ચૂર્ણ મેળવીને પીવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે તેમ જ અપચો કે અપચાથી થયેલ ઊલટી કે ઝાડા મટે છે. 
  • (૩૨) ડુંગળીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ, હિંગ ૦.૧૬ ગ્રામ મીઠું અને થોડું પાણી મેળવી પીવાથી અપચો મટે છે. જરૂર જણાય તો આ મિશ્રણ બે કલાક પછી ફરીથી લઈ શકાય. 
  • (૩૩) મીઠાને તવી પર લાલ રંગનું થાય ત્યાં સુધી શેકી, હુંફાળા ગરમ પાણીમાં ૫ ગ્રામ જેટલું લેવાથી અપચો મટે છે. 
  • (૩૪) અજમો, સિંધવ અને હરડે દરેક ૧૦-૧૦ ગ્રામ અને હિંગ ૫ ગ્રામનું બારીક ચૂર્ણ કરવું. એને પાચન ચૂર્ણ કહે છે. આ ચૂર્ણ અડધીથી એક ચમચી જેટલું જમ્યા પછી ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે બપોરે અને રાત્રે નિયમિત લેવાથી ભૂખ ન લાગવી, અપચો, પેટનું ભારેપણું, મોળ, ગૅસ, અજીર્ણ અને ઓડકાર મટે છે. 
  • (૩૫) હરડે, લીંડીપીપર, સૂંઠ અને કાળાં મરી સરખા વજને મિશ્ર કરી, એ મિશ્રણથી બમણા વજનનો ગોળ મેળવી ચણી બોર જેવડી ગોળી બનાવવી. બબ્બે ગોળી સવાર, બપોર અને સાંજે ચૂસવાથી અજીર્ણ, અરુચિ અને ઉધરસ મટે છે. 
  • (૩૬) સરખા ભાગે સૂકા ધાણા અને સાકરનો ઉકાળો દરરોજ સવાર-સાંજ પીવાથી અપચો મટે છે. ધાણા-સાકર અને પાણીનું પ્રમાણ પોતાની જરૂરિયાત મુજબ રાખવું. 
  • (૩૭) લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચિ અને મંદાગ્નિ મટે છે. 
  • (૩૮) રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે. 
  • (૩૯) ભૂખ  ન લાગતી હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભૂખ ઉઘડશે.

અજીર્ણ-અપચો

 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ